Friday, November 6, 2009

"NATIONAL SERVICE SCHEME"



"રાષ્ટ્રીય સેવા યોજના શિબિર"
"વર્ષ-૨૦૦૯"

દિગરાજસિંહ ગોહિલ,
પત્રકારત્વ વર્ષ-૧,
પત્રકારત્વ વિભાગ,
"ગૂજરાત વિદ્યાપીઠ" અમદાવાદ.
તારીખ:૦૫-૧૦-૨૦૦૯ થી ૧૦-૧૦-૨૦૦૯.
શિબિરનો વિષય:વ્યસન-મુક્તિ,સ્વચ્છતા.
શિબિર સ્થળ:ફતેપુર,તાલુકો:સમી,જીલ્લો:પાટણ.






                                         રાષ્ટ્રીય સેવા યોજનાથી હું બિલકુલ અજાણ હતો. ગૂજરાત વિદ્યાપીઠના પ્રાર્થના-ખંડમાં તારીખ:૦૧-૦૮-૨૦૦૯ ના રોજ એક "રાષ્ટ્રીય સેવા યોજના" અભિમુખતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું, આ શિબિરમાં હું પણ જોડાયો, આ શિબિરનો મુખ્ય હેતુ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવા યોજનાના વિવિધ પાસાઓથી માહિતગાર કરવાનો હતો. આ શિબિરમાં મુખ્યત્વે મને એ જાણવા મળ્યું કે રાષ્ટ્રીય સેવા યોજનાની સ્થાપના રાષ્ટ્રના હિત માટે ઈ.સ.૧૯૬૯માં કરવામાં આવી. મુખ્યત્વે રાષ્ટ્રીય સેવા યોજનાનું કાર્ય સ્થળ ગ્રામ્ય ઉપરાંત શહેરી વિસ્તાર પણ હોય છે, આ યોજનામાં જોડાવવું હોય તો તેના સિદ્ધાંતો 'ચાલસે, ભાવસે, ફાવસે, ગમસે વગેરેને અપનાવવા ખુબજ જરૂરી છે, આ બધી બાબતોથી માહિતગાર થવાનો સમય ત્યારે આવ્યો જ્યારે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તેનું આયોજન તારીખ:૦૫-૧૦-૦૯ થી ૧૦-૧૦-૨૦૦૯ સુધી કરવામાં આવ્યું. અમારી આ શિબિરનું સ્થળ ૭૦૦ લોકોની વસ્તી ધરાવતું ફતેપુર નામનું એક ગામ હતું, જે મુખ્યત્વે પાટણ જીલ્લાના સમી તાલુકામાં આવેલું છે.
                                        તારીખ:૦૫-૧૦-૨૦૦૯ ને બપોરે ૨.૦૦ કલાકે પત્રકારત્વ વર્ષ-૧ નાં વિદ્યાર્થીઓ અને આ શિબિરના સંચાલક શ્રી ડૉ.અશ્વિનભાઈ ચૌહાણ રવાના થયા. અમોને વિદાય આપવા માટે પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ શ્રી ડૉ.વિનોદકુમાર પાંડેય, અધ્યાપિકા શ્રી પુનિતામેડમ તથા પત્રકારત્વ વર્ષ-૨ના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. અમારી અમદાવાદથી ફતેપુર જવાની સફર બપોરે ૨.૩૦ કલાકે શરુ થઇ આ સફર દરમિયાન અમુક વિદ્યાર્થીઓએ સુમધુર ગીતો લલકાર્યા તો અમુકે આરામ કર્યો, આ સમય દરમિયાન મેં આ મહાનુભાવોને કેમેરામાં કેદ કર્યા.અમારી આ સુંદર સફર ત્યારે પૂરી થયી જ્યારે અમો સાંજે ૪.૦૦ કલાકે ગ્રામ જ્યોત ઉત્તર બુનિયાદી શાળા સેવા મંડળ ફતેપુર પહોચ્યા. આ એ સંસ્થા હતી જ્યાં અમારે પાંચ દિવસ માટે રોકાવાનું હતું, આ સંસ્થાના સંચાલક શ્રી હર્ષદભાઈ રાવળે અમારું સ્વાગત કર્યું. સૌ વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા ત્યાની છાત્રાલયના ગૃહપતિ મુકેશભાઈએ કરી આપી, આ દિવસે સાંજે અમો ફતેપુર ગામની નજીકથી પસાર થતી રૂપેણ નામની નદીએ પહોચ્યા, આ નદીના કિનારે અમુક લોકોએ વીરડો ગાળ્યો તો અમુકે વહેતા પાણીની મજા માણી તો વળી અમુકે ફોટોગ્રાફીની મજા માણી ફોટોગ્રાફી દરમિયાન અશ્વિનસરની એક સૂર્ય બાબતની રમુજી કોમેન્ટ પર સૌ ખડખડાટ હસ્યા, રાત્રીના ભોજન બાદ હર્ષદભાઈ રાવલ, મેરા ગામના વતની શ્રી લાલજીભાઈ અને તેમના મિત્રોનો અમોને પરિચય થયો, લાલજીભાઈ પાસેથી અમોને ફતેપુર ગામની પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી મળી, ફતેપુર મુખ્યત્વે ચાર જીલ્લાના છેવાડાના ગામો (અમદાવાદનું હાસલપુર, સુરેન્દ્રનગરનું મેરા, મહેસાણાનું ફીન્ચડી અને પાટણનું ફતેપુર) નું સંગમ સ્થળ છે. પરિચય બાદ સુંદર વાતાવરણમાં સંગીતનો કાર્યક્રમ ચાલુ થયો આમ અમારો પ્રથમ દિવસ ખુબ સારો પસાર થયો.
                                       તારીખ:૦૬-૧૦-૨૦૦૯ ના રોજ સવારે ૬.૦૦ કલાકે અમોએ સંસ્થાના કેમ્પસની સફાઈથી દિવસની શરૂવાત કરી, ચા નાસ્તો અને થોડીઘણી ખેલકૂદ બાદ અમો રૂપેણ નદીએ સ્નાન કરવા ગયા જ્યાં અમુક લોકોએ કેટ-વોક કરીને પોતાની આગવી પ્રતિભા બતાવી, સ્નાન બાદ અમો સૌ ફતેપુર ગામની મુલાકાત માટે ત્રણની ટુકડીમાં નીકળ્યા, આ મુલાકાત દરમિયાન ગામના લોકોની રહેણી કહેણી, વ્યવસાય, આરોગ્ય અને શિક્ષણની સવલતો, સ્ત્રીઓની સ્થિતિ, વ્યસનનું પ્રમાણ વગેરેથી માહિતગાર થયા, આ ગામના લોકોની સ્થિતિ અત્યંત ખરાબ હતી, બાળકો સારું ભોજન, કપડા, મનોરંજનના સાધનો, શિક્ષણ વગેરેથી વંચિત હતા, બાળ-લગ્ન, અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદ, સ્ત્રી-પુરુષમાં વ્યસનનું પ્રમાણ, નિરક્ષરતા, રોગચાળો, વગેરેથી સમગ્ર ગ્રામજનો પીડાતા હતા, રળવાના સાધનોના અભાવને કારણે ગામના ઘણાલોકો નશીલા પદાર્થો જેવા કે તમ્બાકુ, બીડી, સિગારેટ, ગુટખા, દારુ વગેરેનું વેચાણ કરતા હતા ઉપરાંત આ નશીલા પદાર્થોનું સેવન પણ કરતા હતા. બપોરના ભોજન બાદ અમોએ લાલજીભાઈનાં ફાર્મહાઉસની મુલાકાત લીધી, આ ફાર્મહાઉસમાં લાલજીભાઈએ અલગ અલગ જાતિના દુધાળા પશુઓ પણ પાળ્યા હતા આ ઉપરાંત ત્યાં ગોબરગેસનો પ્લાન્ટ પણ હતો, આ બધી બાબતોથી અમોને તેઓએ માહિતગાર કર્યા, સૂર્યાસ્તનો સમય હતો અને અહી સૂર્યાસ્તના સમયે સૂર્ય સંપૂર્ણરીતે ચોખ્ખો દેખાતો હતો જેથી સૌએ પોતપોતાની રીતે ફોટોગ્રાફી પણ કરી, રાત્રીના ભોજન બાદ અમોએ સંસ્થાના પ્રાથનાખંડમાં "ધર્મ" નામની ફિલ્મ જોઈ આ ફિલ્મની સ્ટોરી સામાન્ય હતી પરંતુ કોમી-એક્તાનો એક મહાન સંદેશો આપતી હતી. આમ આ દિવસનો મારો અનુભવ ખુબ સારો રહ્યો.
                                       તારીખ:૦૭-૧૦-૨૦૦૯ ના રોજ દૈનિક-કાર્ય જેમકે સંસ્થાના કેમ્પસની સફાઈ, ચા-નાસ્તો અને થોડીઘણી ખેલકૂદ બાદ સ્નાન અને ગામની મુલાકાત બાદ અમો ફતેપુરની પ્રાથમીક-શાળાની મુલાકાત માટે પહોચ્યાં અહી પોસ્ટર પ્રદર્શન કર્યા બાદ શાળાના બાળકોને ગીતો અને રમતો દ્વારા ખુશ કર્યા, સાંજના સમયે ફતેપુર નજીક આવેલ બહુચરાજી મંદિર અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી, આ ઉપરાંત લાલજીભાઈ અને તેમના સાથી મિત્રો દ્વારા ચાલતી સંસ્થા 'મારગ' ની મુલાકાત પણ લીધી આ સંસ્થા આઝાદ યુવા વિકાસ, લોક-જાગૃતિ, સ્ત્રીઓ-બાળકો ઉપરાંત કદમ સમુદાય જેમાં કોળી, આદિવાસી, દલિત, અગરિયા, માલધારી-મહિલા, મુસ્લિમ માઈનોરીટી, વગેરે માટે ૨૦૦૧ થી કાર્યરત છે. આમ, અમારો શિબિરનો ત્રીજો દિવસ ખુબ સારો પસાર થયો.
                                       તારીખ:૦૮-૧૦-૨૦૦૯ ના રોજ અમોએ સવારથી બપોર સુધી વૃક્ષા-રોપણ કર્યું, બપોરના ભોજન બાદ હું અને ટુકડી નેતા મિત્ર વિષ્ણુ રબારી બન્ને મેરા પ્રાથમિક-શાળાના બાળકો અને ગ્રામજનોને વ્યસન-મુક્તિ અને ગામની સ્વચ્છતા બાબતે પોસ્ટરો દ્વારા સમજુતી આપી અહી અમોએ શાળાના આચાર્ય અને ગામના સરપંચની પણ મુલાકાત લીધી, મેરા ગામની મુલાકાત બાદ રામદેપરા ગામની મુલાકાત લીધી જ્યાં અમો શાળાના શિક્ષક હરેશભાઈ જોષીને મળ્યા અને ત્યાં પણ પોસ્ટર-પ્રદર્શન દ્વારા શાળાના બાળકોને તેમને સમજાય તેવી સરળ ભાષામાં વ્યસન-મુક્તિ અને ગામની સ્વચ્છતા બાબતે સમજુતી આપી આ બન્ને ગામના લોકો શાળાના બાળકો અને શિક્ષકોએ અમોને ખુબ સારો સહકાર આપ્યો. સાંજના સમયે મેરા ગામની શાળાના આચાર્ય શ્રી આઝમખાનના આમંત્રણને માન આપીને અમો સૌ તેમના ઘરે ગયા. રાત્રીના ભોજન બાદ સૌએ મળીને "અમુ" નામની ફિલ્મ જોયી, આ ફિલ્મમાં મુખ્યત્વે સીખ્ખો પર ૧૯૮૪ માં થયેલા અત્યાચારને દર્શાવવામાં આવ્યો છે.
                                       તારીખ:૦૯-૧૦-૨૦૦૯ ના રોજ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બાળ મેળાની શરૂઆત સવારે ૬.૦૦ કલાકે થઇ હતી, આ મેળામાં અમો ઉપરાંત ફતેપુર અને અન્ય ગામની શાળાના વિદ્યાર્થીઓએ આચાર્ય શ્રી હર્ષદભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ મેળાનું બધુજ આયોજન પોતાના હાથમાં લયલીધું હતું. વૃક્ષો પર ચડીને હીચકા બાંધ્યા, ઉપરાંત વૃક્ષ પરની દુકાન કે જેને "હવા મહેલ" નામ આપવામાં આવ્યું હતું, આ ઉપરાંત અન્ય પ્રવૃતિઓ જેવી કે સંગીત, નૃત્ય, માટીકામ, ઓઈલકામ, ઝરી-રેતીકામ, ફાડ્કામ, ચિત્રકલા, કાગળ કટિંગકામ, મહેંદી, ગાંધી જીવન દર્શન, શબ્દોની માયા જાળ, અને બીજી આવી ઘણી બધી પ્રવૃતિઓ સમગ્ર દિવસ દરમિયાન હર્ષોલ્લાસથી ચાલતી રહી. આ દિવસ દરમિયાન બાળકો સાથે મળીને અમોએ બાળ મેળાનો આનંદ બાળક બનીને માણ્યો, આ દિવસ દરમિયાન હું મારી બાળપણની ગલીયોમાં ખોવાય ગયો હતો, આ માટે બે શબ્દો કહી શકાય કે
""ક્યારેક કોઈ કારણ વગર રડી પડ્યા, તો ક્યારેક એકાંતમાં હળી પડ્યા, જ્યારે મળ્યું હકીકતનું સરનામું ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો યાદોની ગલીમાં ભૂલા પડ્યા"".
                                        અંતિમ દિવસે પેપર-ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ માત્ર કાગળના ઉપયોગથી કોઈ પાત્ર તૈયાર કરવાનું હતું, અમોએ ગાંધીજી, રાની લક્ષ્મીબાઈ, શિવાજી મહારાજ, નર્સ, સુભાષચંદ્ર, માછીમાર સ્ત્રી, ચંદ્રશેખર આઝાદ અને શહીદે આઝમ ભગતસિંહના પાત્રો તૈયાર કર્યા હતા. આ પ્રવૃત્તિ બાદ સૌએ ભેગામળીને રાષ્ટ્રીય સેવા યોજના શિબિરના ફતેપુરમાં પસાર કરેલા પાંચ દિવસમાં થયેલા અનુંભવોનું વર્ણન કર્યું. બપોરના ભોજન બાદ ફતેપુરની રંગીન યાદોને જીવનમાં કેદ કરીને અમોએ વિદાય લીધી.
"રાષ્ટ્રીય સેવા યોજના" ના આ પાંચ દિવસ દરમિયાન મને મળેલો અનુભવ મારા જીવનના અનુભવોમાંનો એક શ્રેષ્ઠ અનુભવ છે. આવો અનુભવ કરાવવા બદલ હું ગૂજરાત વિદ્યાપીઠ, મારા ગુરુ શ્રી ડૉ.અશ્વિનભાઈ ચૌહાણ અને સાથી-મીત્રોનો ઉપરાંત આ શિબિરમાં મળેલા દરેક વ્યક્તિનો આભાર માનું છું.
                                       આ શિબિર કર્યા બાદ મારા આદર્શ 'સ્વામી વિવેકાનંદ' ના શિક્ષણ બાબતના શબ્દો સિદ્ધ થાય છે કે ""સાચું શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ; અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઈચ્છાશક્તિનો ઉપયોગ કરવાની તાલીમ"".

                                                           
                                      *આભાર*

                          -દિગરાજસિંહ ગોહિલ.
                           http://www.digrajsinh-myvoice.blogspot.com/
                                                                                   


No comments:

Post a Comment